Latest Event Updates

વિપશ્યના

Posted on Updated on

વિપશ્યના શિબિર ૯/૩/૨૦૧૬ થી ૨૦/૩/૨૦૧૬ ઈગતપુરી

જીવનનાં વળાંકનો સમય કહું કે પછી નવો જનમ .!!!!!!!!

image

પહેલા દિવસે અરવિંદ મુકીને ગયા ત્યારે ખુબ ઉત્સાહિત હતી કે, હવે હું સાચી રીતે જીવન જીવવાની કળા શીખવા માટે જઈ રહી છું. ૯/૩/૨૦૧૬ સાંજે ૬.૩૦ વાગે થોડીક જાહેરાતો કરી મૌન ધારણ કરવા સુચન થયું. ૭ વાગ્યાથી રાબેતા મુજબ શિબિર ચાલુ થઇ ગઈ.

પોતાના શ્વાસને સાક્ષી ભાવે જાણવાની સાધના શીખવી.
પોતાના શ્વાસને ખાલી સહજ ભાવે જાણવો, સાક્ષી ભાવે જોવો આ સાધના દિવસના ૧૦ કલાક ૨ દિવસ માટે થઇ ત્યાં જ પાટિયા હલી ગયા.

image

અને આ મોબાઈલની દુનિયામાં કોણ ક્યાં, ને કેટલે પહોચ્યા એ જાણવાથી ટેવાયેલા આપડે. એમાયે સ્ત્રીઓ ખાસ પતિ ક્યાં પહોચ્યા હશે એ જાણવા ગમે તે બહાને ફોન કરી જ લેવા ટેવાયેલી હોય. તો બેસી બેસીને તો આમેય પાટિયા બેસી ગયા હતા કમરના પણ સાધના તો પરફેક્ટ જ થતી હતી હો એમાં કચાશ નહિ. પણ આળસુ સ્વભાવ નડયો થોડો અને ટીચરો અને સેવિકાઓથી વાત કરવાની છુટ્ટી હોય. તો થોડો બેઠકમાંથી છૂટવા અને બદલાવ લાવવા ગઈ ટીચર પાસે કે ..
કે મને બહુ ચિંતા થાય છે મારે એ જાણવું છે કે એ ઘરે પહોચ્યા કે નહિ.. તો બહુ પ્રેમથી મેડમ બોલ્યા ..

image

“ બેટા તું ઘર-બાર બધું છોડીને ધ્યાન કરવા અને તારી જાતને પારખવા આવી છો તો એમાં ધ્યાન આપ અને જો એ નાં પહોચ્યા હોત કે કઈ થયું હોત તો ફોન આવી ગયો હોત અમને ઓફિસમાં”

મનીષાબેન ઢીલા મોઢે પાછા બેસી ગયા આસને …

– એક વાત ખાસ જાણવા જેવી કે આ કોઈ સંપ્રદાય નથી. ૨૫૦૦ વરસ પહેલા આ વિદ્યા ભારતમાં ગૌતમ બુદ્ધે શોધેલી અને એનો લાભ ત્યારે કરોડો લોકોએ લીધેલો પણ કેમ અને કેવી રીતે ભારતમાંથી અલિપ્ત થઇ ગઈ એ નથી ખબર.

– આચાર્ય ગોયન્કા જી મૂળ ભારતના પણ ૨,૩ પેઢીથી પરિવાર બર્મામાં રહેતો હતો તો, એ બર્મા દેશમાં જ જન્મેલા ત્યાં એ દેશમાં આ વિદ્યાનું ખુબ ચલણ હતું તો એમને ત્યાં આ વિદ્યા શીખી અને એને ભારત લઇ આવ્યા આજથી ૪૦ વરસ પહેલા.

– આ શિબિરમાં હિંદુ, મુસ્લિમ , શીખ , ઈસાઈ બધા ધર્મનાં લોકો આવે છે મારી સાથે ૨ મુસ્લિમ અને એક ક્રિશ્ચન મહિલાઓ પણ હતી.

– નવાઈ એ વાતની થઇ મને ત્યાં કે જુવાન છોકરા છોકરીઓનું પ્રમાણ સારું એવું હતું. એટલે કોઈ એમ કહે કે ભાઈ આ ઉમર નથી આ બધું કરવાની તો એ ખોટું છે. જેટલું જલદી આ વિદ્યા શીખી જીવનમાં ઉતારો એટલુ જલદી તમારા જનમોજનમનાં વિકારો, રાગ દ્વેષ દુર થશે. નવા પેદા કરતા સજાગ બનશો. તો તમારું જ જીવન સુધરશે બીજાનું નહિ. અને જેટલું જલ્દી શીખી લેશો એટલેથી સાચી જીંદગી જીવતા શીખી જશો. તો કેમ વધારે વરસો સારા ના જીવી લઈએ?? અને આ કઈ કર્મ કાંડ નથી. કે પંડિત પૂજા કરે ને તમારા પાપ ધોવાઈ જાય. તમે જાતે જ જાણી શકો કે આપણા વિકારો, રાગ દ્વેષ કેટલા પ્રમાણમાં છે અને કેટલા નીકળી ગયા અને તમારું મન નિર્મલ થયું કે નહિ..

– આપણે પ્રવચનોમાં તો જ્ઞાન મેળવેલું જ છે કે રાગ દ્વેષ નહિ કરવો, કોઈનું ખરાબ નહિ કરવું વગેરે વગેરે ……… આ જ વાત વાસ્તવિક જીવનમાં આપણે અપનાવી પણ હોય છે. પરંતુ એ આપણી બુદ્ધિના સ્તરે અપનાવી હોય. જયારે કોઈ અણબનાવ બને તો કદાચ આપણે એટલા સક્ષમ પણ હોઈએ કે એ સમયે દુખી નાં થઈએ અને એ બનાવમાંથી મનને હટાવવા મનને બીજી બાજુ વાળી લઈએ … જેમ કે ભજન, વાંચન, સંગીત, સત્સંગ, ધંધામાં વગેરે વગેરે ગમતી વસ્તુઓ કરીને… તો એ અણબનાવ આપણા બુદ્ધિના સ્તરે આપણા જાગ્રત મનમાંથી નીકળી જાય પણ એજ બનાવ અને વ્યક્તિ માટે ગુસ્સો, રાગ દ્વેષ એ આપણા અર્ધજાગ્રત મનમાં તો કેદ હોય હોય ને હોય જ. એટલે જયારે એ વ્યક્તિ અથવા તો, એવો જ કોઈ બનાવ આપણી નજર સામે આવે ત્યારે પાછો કેમ ક્રોધ જાગે છે???? એનું કારણ આ છે કે એ દ્વેષ થોડાક સમય પુરતો ઉપરના મગજથી જ દુર થયો હતો. તો એને અંદરના મનમાંથી કાઢવા માટે આ ૧૦ દિવસની શિબિર કરી દિવસમાં ૧૦ કલાક તપવું જરૂરી છે. એક દિવસમાં ૧૦ કલાક તપ કરવાનું, સાધના કરવાની, દર એક કલાકે ૫ મિનીટનો બ્રેક હોય
આને ત્યાં તપોવનમાં એ લોકો એને તપ જ કહે છે. એ તપ જાતે કર્યા પછી આપણને એ પણ ભાન થાય કે, અહિયાં પંખા નીચે ગાદી પર બેસી, ટેકા સાથે બેસી, જેને ના બેસાય એને ખુરશી પણ હોય તો પણ કલાક બેસી ધ્યાન કરવું કેટલું અઘરું લાગે છે તો, ઋષિ મુનીઓ ગુફાઓમાં સાવ જંગલમાં વરસોના વરસો કેમ કરીને તપ કરી શકતા હશે??? કેમ એ લોકો મનથી આટલા નિર્મલ હોતા હોય છે????

image

– અને હવે આવી બીજી મુશ્કેલી મનીષાબેનની !!!!!! દિવસ આખો સાધના ને નિત્યક્રમમાં નીકળી જાય પણ,,,,,!!!! રાતના ૯ વાગે રૂમ પર જવાનું આવે અને એકલા સુવાનું આવે ને બેનના પાટિયા પાછા પડી જાય. (ઉપરના ફોટોમાં જમણી બાજુથી ૩જી રૂમ હતી મારી) સાવ અંધારું, આજુબાજુ સાવ જંગલ, પહાડો તો જુદા જુદા વિચારોથી મન ડરી જાય. પાછા ગયા ટીચર પાસે ફરિયાદ લઈને..
( ટીચર પાસે આમ તો દિવસમાં ૨, ૩ વાર જઈ જ આવતી એ બહાને જે બોલવા મળે એ, પણ એ મારૂ સવાલો લઈને એમની પાસે જવું એમને પણ બહુ ગમ્યું હશે કદાચ તો છેલ્લા દિવસે ૨૫૦ બહેનોમાંથી ૧૦,૧૨ બહેનોને નોટીસ આવી કે ઓફિસમાં બોલાવે છે પહેલા તો થયું મનીબેન ગયા આજે, કારણ થોડીવાર પહેલા જ એક નાની મસ્તી કરી હતી પણ, ત્યાં જઈને ખબર પડી કે મારી જેમ બીજા છે તો હાશ થયું કે કઈક બીજું હશે. પછી ખબર પડી કે જેમણે આ કોર્ષને સારી રીતે સમજ્યો ને અમલમાં મુક્યો હોય એવા લોકોને બોલાવ્યા હતા વધારે માહિતી આપવા માટે.)

હા હવે બીક વાળી વાત પર આવું તો ટીચર પાસે ગઈ તો એમને પાછું નિર્મલ ભાષામાં મને બાટલીમાં ઉતારી ..
“ જો આ સાધના કરે છે તો એમાં વિકાર, ડર, લોભ, રાગ દ્વેષ,વાસના આ બધું તો દુર કરવાનું છે તો સાધના કરવાની, આ કરવાનું , તે કરવાનું કરી પાછા આસન પર મોકલી દીધા. !!!!!!
પણ કદાચ ઈશ્વરને મારી દયા આવી કે શું !!! રાતના રૂમ પર આવી તો બાજુ વાળીએ ઈશારો કર્યો કે મને ડર લાગે છે. મેં કહ્યું મને પણ… એનો બીજો ઈશારો કે તમે ગાદી અહિયાં લઇ આવો હાથ જોડ્યા પણ સ્વાર્થ તો મારો પણ હતો જ ને!!!! તરત એની વાતમાં નનિયો ભરી દીધો. ને એ સિલસિલો ચાલુ થઇ ગયો. ટીચરે બોલાવી બીજે દિવસે કે તમે ઓકે છો એ રૂમથી ??? નહી તો રૂમ બદલી કરાવું ?? મેં સાચું કહી દીધું તો કહે “સાચું બોલ્યા એટલે માફ કરું છું ને ચલાવી લવ છું.”

– આમ કરતા કરતા આનાપાન સાધનાના સાડા ત્રણ દિવસ પછી વિપશ્યના સાધના આપી. એમણે કહ્યું જ હતું કે આ સાધના કર્યા પછી મન ખુબ વ્યાકુળ થશે, અહિયાથી ભાગી જવાનું મન થશે. એના બીજા દિવસે લગભગ બધા ટીચર સામે રડતા જોયા મેં અને ૨ છોકરીઓ ધમપછાડા કરીને ભાગી ગઈ, એકે ડ્રામા કર્યા પણ એને રોકવામાં સફળ રહી ગયા એ લોકો. હું મારા મનની વાત કરું તો મારું મન પણ આકુળ,વ્યાકુળ જ હતું બધાની યાદ આવવા લાગી ઘર યાદ આવ્યું એ દિવસે દીકરો ઓફીસના કામથી ઇન્દોર જવાનો હતો એની સાથે વાત કરવાનું મન થયું. પછી રીક્વેસ્ટ કરી કે વાત કરાવો પ્લીઝ તો, એમને જ ફોન લગાવી મને લખીને મેસેજ મોકલી દીધા કે દીકરો મજામાં છે ને કાલે સવારે જવાનો છે. હા પણ ટીચરે મન વ્યાકુળ થાય તો શું કરવું એ કહેલું એ બ્રેકના સમયે, સાધના સમયે કરતી રહી પણ રડી નહિ. બસ પછી તો જાણે દુઃખમાંથી, વ્યાકુળતામાંથી બાર નીકળવાનો દરવાજો મળી ગયો જાણે અને વિપશ્યનામાં વધારે અંદર ઉતરતી ગઈ એમ મન બહુ મજબુત થતું ફિલ થતું ગયું. અને ગાડી ફૂલ સ્પીડમાં ચાલવા લાગી બ્રેક આવતી પણ નાની નાની અને રસ્તો તો ખબર પડી ગયો હતો એટલે એમાંથી બાર નીકળતી ગઈ. ત્યારે ઈશ્વરનો ખુબ ખુબ આભાર માનતી કે એ વિદ્યા શીખવા માટે ત્યાં સુધી જવા મોકો આપ્યો, વિચાર આવ્યો એ માટે અને ખાસ તો ત્યાં ગયા પછી ત્યાં ટકી રહી એ પણ મજબુત બનીને એ ખાસ. મારા ઘરના બધા તો એમજ બોલતા હતા કે ૨ દિવસમાં જ ઘર વાપસી થશે માતાજી તમારી. મારી મમ્મીને પણ એમ જ હતું. એ તો કહેતા હું તને બચપનથી જાણું છું તું કેટલી ચંચળ છે આવી વાતોમાં ટકી જ નહિ શકે.

– આપણા ઈશ્વર એ આપણી ધારણા મુજબની મૂર્તિ કે ચિત્ર મુજબના હોય કલ્પના મુજબના હોય પણ, જે ઈશ્વરમાં આપણને શ્રદ્ધા છે એ ઈશ્વરના ગુણ આપણામાં હોય તો અને તો જ એ સાચી શ્રદ્ધા કહેવાય. આપણે એ ઈશ્વર સાથે સોદો કરીએ કે તું આ કામ કરી દે, મારા પાપ ધોઈ લે તો હું ચાલીને આવીશ ,, હું ૧૧ રૂપિયા નો પ્રસાદ ચડાવીશ આ બધું હું પણ કરતી જ આવી છું. પણ હવે આ વાત સમજાઈ કે આપણા દુખ આપણે જાતે જ નિવારી શકીએ એવી વિદ્યા, શક્તિ છે. અને જે ભગવાન, દેવી, સંતમાં માનતા હોઈએ શ્રદ્ધા હોય એના સાચા ગુણો આપડી અંદર ઉતારવાની પૂરી કોશિશ કરીએ. તો અને તો જ વિપશ્યના સાકાર થાય. સુખમાં છકી નાં જવું દુઃખમાં ડગી નાં જવું આ બધું બુદ્ધિના સ્તરે બહુ સાંભળેલું છે પણ અનુભવે કેમ ઉતારવું એ અહિયાં શીખવા મળે. અને એ પણ જાત અનુભવે જ મળે.

– છેલ્લે મંગલ સાધના, મૈત્રી સાધના જેના પર રાગ દ્વેષ હોય એમના પ્રત્યે પણ મંગલ ભાવ જાગે, કરુણા ભાવ જાગે… હા કોઈ ખોટું હોય અધર્મી હોય એની ભૂલ એને સમજાવાય પણ એને કઠોરતાથી ભલે બોલો કટુતા ભાવથી કદી નહિ બોલવાનું. દરેક જીવોનું મંગલ, કલ્યાણ સાધવાનું દરેક જીવ નિર્ભય બને નીર્બેર બને…

– આ મંગલ સાધના પછી મૌન છુટે એ દિવસ હતો ૧૯/૩/૨૦૧૬ મતલબ ૯માં દિવસે મૌન તોડાવે એનાં બે કારણ હતા એક તો એ કે આટલા દિવસથી તમે ચુપ હોવ બીજા અવાજની આદતથી મુક્ત હોવ તો એ એક દિવસ આદત પડે પાછુ રોજીંદી જીંદગીમાં જવા પહેલા. અને બીજું બધાથી મૈત્રી કરવાનો મોકો આપે. આજુબાજુમાં રહેતા લોકોના નામ, ક્યાંના છે એ પણ એજ દિવસે ખબર પડી. એ દિવસ નાનો લાગ્યો બોલવામાં. નહિ તો બાકીના દિવસો તો એટલા લાંબા લાગતા કે સવારે ૧૦ વાગે એમ લાગે કે જાણે બપોર થઇ ગઈ કારણ સવારે ૪ વાગ્યાથી દિવસ ઉગતો અમારો. અને બધાના મોબાઈલ ત્યાં જમા કરાવી લીધા હતા તો મૌન તોડ્યા પછી મોબાઈલ આપી વાપરવાની છૂટ આપી. પણ મેં મારો મોબાઈલ તો ઘરે અરવિંદને આપી દીધેલો એટલે હજી એક દિવસનું મોબાઈલ મૌન પણ હતું મારે તો. પણ એનું પણ કઈ એટલું લાગ્યું નહી. પણ હા ઘરે કોન્ટેક્ટ કરવા પ્રોબ્લેમ થયો પણ બીજાના મોબાઈલથી એક વાર વાત કરી દીધી.

– હવે આવ્યો ઘરે જવાનો દિવસ ૨૦/૩/૨૦૧૬ સવારે ૪.૩૦ થી ૬.૩૦ સાધના પછી નાસ્તો કરી ૭ વાગે છુટ્ટી મળવાની હતી. લેવા માટે દીકરી અને અરવિંદ આવ્યા એ ક્ષણને શબ્દોમાં કહી શકાય એમ નથી. પછી એ લોકોને આખું તપોવન બતાવ્યું મોબાઈલ આવ્યો તો ફોટા પાડ્યા અને આવી ગયા પાછા સંસાર ચક્રમાં…..

image

– ઈશ્વર આ સંસારચક્રમાં પણ વિપશ્યનાનું પાલન કરી હર પરિસ્થિતિમાં સમતા બનાવી રાખવા સક્ષમ બનાવી રાખે એવી દિલથી પ્રભુને પ્રાથના… સહ…….

સર્વ મંગલ ભવતું…………

– અસ્તુ ……………………………………………….

મનીષા અરવિંદ દરજી 22/૩/2016

સંબંધોની સમજણ

Posted on Updated on

સંબંધો વિશે લખવું, બોલવું ખુબ સહેલું હોય છે.!!!!!!!!!!!

પણ અઘરું તો એ અમલમાં મુકવું અને નિભાવવું હોય છે. આપણે પોતાને જ પ્રધાન્ય આપીને જીવતા હોઇએ છીએ. કોઈપણ સંબંધમાં સમજદારી અને સમજુતી સાથે પ્રેમ પિરસવાનો હોય છે. ત્યારે જ પ્રેમ સંબંધની રેખા અતૂટ રહીને ધીમે ધીમે વહેતી રહે છે. નહી તો,!!!! અળગા, સ્વાર્થી આવા ઉપનામો સાથે કડવા પ્રસંગો આવવાના ચાલું થઈ જાય છે. આમાં એક બાજુએથી એ સંબંધ સાચવવાની અનુરેખા અતૂટ રખાય એ શક્ય નથી હોતી બંન્ને બાજુના સાથ-સહકારથી જ સંબંધોમાં ઉર્મી જીવનભર ફેલાયેલી રહે છે.

સંબંધને જાળવવો, તેના માટે ત્યાગ કરવો, તેમાં સતત પ્રેમની પુરવણી કરવી, સમાનભાવ રાખવો અને સહનશીલતાને સ્વભાવમાં સમાવવી આ બધી વાતો આપડા જ હાથમાં હોય છે. સામેવાળી વ્યક્તિ પ્રમાણે ઓછા વત્તા પ્રમાણમાં તેનો અમલ કરે એવી ઇચ્છા હોય પણ એ કેવા વર્તન કરે છે એનો આધાર પણ આપણા વર્તન પર નિર્ભર છે.
શુષ્ક, નિરસ, જાન વગરનો, તથ્ય વિનાનો, સચ્ચાઇ અને પારદર્શક્તા વિનાનો ફક્ત દેખાવ પૂરતો સંબંધ જીવવો અઘરો હોય છે.

આત્મીયતા એટલે હ્રદયના ઉત્તમ ભાવોની નિકટતા. જ્યાં નિસ્વાર્થ પ્રેમ હોય ત્યાં આત્મીયતાનું સ્થાન ઊંચું જ હોય છે. અને જ્યાં સ્વાર્થી અને ગણતરી વાળો પ્રેમ હોય ત્યાં અપૌચારિકતા હોય આત્મીયતા ના આવે. આત્મીયતાનું બાહ્ય પ્રદર્શન કરી શકે લોકો, પણ એને સામેવાળું પાત્ર સાચા હ્રદયની ભાવના સમજી તર્ક દોડવે એ નરી મુર્ખામી જ કહેવાય.

અંતરાત્માનું સ્વમાન રીઝી ઊઠે એવું મિલન તે આત્મીયતા.!!!!!!!!

માણસને અસલી ને નકલી આત્મીયતા નો ભેદ પારખતા તો આવડતો જ હોય છે. એનું અંતઃકરણ એ ભેદ પારખી બતાવતું જ હોય છે. એટલે જ પ્રણય સંબંધોમાં તન મળી જતા હોય તોય મન તો હ્રદયની સાચી ભાવના પારખે ત્યાં જ મળતા હોય છે.

પહેલાના જમાનાનાં માણસો સરળ હતા એ બુધ્ધિથી નહી હ્રદયથી મૈત્રી , કુટુંબભાવના , પાડોશીધર્મ, પ્રેમધર્મ વગેરે વગેરે જેવા ….. આ બધા સંબંધો એક સાચી ભાવના સાથે નિભાવતા હતા. એમના જીવનમાં ત્યાગનું મહ્ત્વ વધારે રહેતુ. વર્તનમાં કોઈ આડંબર નહી સાદગી છલોછલ ઉભરાય. આત્મીયતાને આંચ ના આવે એમ પ્રાચીન કાળના લોકો સંબંધો નિભાવતા. આત્મીયતા એટલે પોતાપણું, મૈત્રી, જુદાપણાનો અભાવ આવા મનોભાવ ધરાવવાની સાથે સાથે મુશ્કેલીમાં પડખે ઉભા રહેવાની ભાવના. આત્મીયતાને કારણે ગુણદ્ર્ષ્ટિ વિકસતી હતી. એકબીજામાં રહેલા દુર્ગુણો ને નજરઅંદાજ કરવાની ક્ષમતા ધરાવતા હોય.

આત્મીયતામાં તિરાડ પડતી દેખાય તો નમ્રતા ધારણ કરી મનાવી લેવાની ભાવના પણ હોય, ત્યાં સંબંધો પ્રમાણમાં સ્વ્સ્થ અને સ્વચ્છ રહેતા હતા.

અને આજના માણસમાં ત્યાગભાવનાનો અભાવ આવી ગયો, ભોગભાવના વધી ગઈ, ભૌતિક સુખોનું પ્રમાણ વધી ગયું, સ્વાર્થ ખાતર માણસ સંબંધોને પણ ગળે ટૂંપો દેતા અચકાતો નથી આજે.

સ્વાર્થ પોષે તે મિત્ર ને સ્વાર્થને આડે આવે તે શત્રુ આવા ટુંકા ગણિતનો નિયમ અપનાવ્યો છે આજે માનવીએ. એટલે જ આજે પરિવારમાં સહવાસ તો છે પણ પરસ્પરની લાગણીનો અભાવ અને ઉપેક્ષા જોવા મળે છે.

પોતાની અપેક્ષાની કોઈપણ ભોગે સંતુષ્ટી થાય એ સંબંધ જ સાચો આ આજનો મહામંત્ર છે.

આજનો માણસ સભ્ય બન્યો છે, સમાજમાં રહે છે પણ સમાજનો બની શક્યો નથી.

એ આત્મીયતાના પ્રદર્શનથી થનારા લાભને ધ્યાનમાં રાખીને વર્તન કરે છે, સંબંધ નિભાવે છે.

અરસપરસના સંબંધમાં વિચારોના તફાવત, અલગ પસંદગી અને માન્યતાઓને માટે મોકળાશ રાખવી જરુરી હોય છે.

સંબંધોને જેમ વાળો એમ એ વળતા હોય છે. તેને તમારી સાથે જીવીત રાખો.

મનીષા અરવિંદ દરજી …. ૧૦/૪/૨૦૧૬

સ્ત્રી

Posted on Updated on

સ્ત્રી હમેશા પુરુષો સાથે લાગણીથી જ રહેતી હોય છે. એમની પાસે પણ લાગણી જ ઝંખતી હોય છે. કોઈને તકલીફ દેવાની(આમાં અપવાદ હોઈ શકે) વૃત્તિ સ્ત્રીમાં હોતી નથી. સ્ત્રીની નરમાઇ, સ્ત્રીની ભલમનશાહીનો ગેરફાયદો ઉઠાવી એની સાથે સખતાઈનું વર્તન થતું હોય તો સ્ત્રી પણ સામે તકલીફ દેવા અથવા તો પત્થર બનવા મજબુર થતી હોય છે….

કોઈના સાથની દિલથી ઝંખના કરે ત્યાં હરહંમેશને માટે જાકારો જ મળતો હોય ત્યારે મજબુર થાય કોઈને ઉખાડીને ફેંકી દેવા માટે…

ભાઈ,પતિ,પ્રેમી કે પિતા રૂપે જેને પણ પ્રેમ કરે, પુરા દિલોજાનથી ચાહતી હોય છે પણ, એની ચાહત પર શંકાઓ થાય, એની ચાહતને કૂચડી નાખી અપમાન થાય ત્યારે એ મજબુર થતી હોય છે નફરત કરવા માટે…

સ્ત્રી કોઈ સાથે દોસ્તી કરે તો એ દોસ્તનો પડછાયો બની હંમેશા સાથ નિભાવે છે,દોસ્તના હર દુઃખમાં એની સાથે અડીખમ ઉભી રહે એ જ દોસ્ત એની દોસ્તીમાં રાજનીતિ વાપરે ત્યારે એ મજબુર થાય એ જ દોસ્તને ફંગોળી દેવા…

સ્ત્રી કોઈની પત્ની બની સેવાભાવથી બધી ફરજો નિભાવે છતાં જો એને નિમ્ન અને નીચી કક્ષાની જ ગણવામાં આવે ત્યારે એ મજબુર બને એની એ ફરજોને માળીએ ચડાવવા…

સ્ત્રી પ્રેમની મૂર્તિ છે એ હર હાલમાં પુરુષ જાતિને સરાહવા, સજાવવા જ માંગતી હોય છે પણ પુરુષો જ જો એને પગની જૂતી સમાન ગણતા હોય તો આજની નારી એવા પુરુષ માટે જ પત્થર બની એને માથે વાગતી હોય એ સ્વાભાવિક છે…

સ્ત્રીને નિમ્ન, તુચ્છ, હલકી ગણવા કરતા એના કોમળ હૃદયને તપાસો , એની સાચી ભાવના સમજો તો સ્ત્રી તમારી પાછળ જીવ આપતા પણ ક્ષણ માત્ર વિચાર નહીં કરે, પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેશે… બસ એને ઠેબે ચડાવવાનું છોડી દો…

દરેક સ્ત્રી સારી ભાવના વાળી પણ નથી હોતી એ પણ માનું છું. પણ જ્યાં જે તે સંબંધોમાં જે તે પુરુષ તરફથી એને પૂરતો ન્યાય, પ્રેમ અને પુરતી હુંફ આ બધું પ્રમાણસર મળતું હોય ત્યાં એ જ સ્ત્રીની ભાવનાઓનાં વહેણ બદલાતા વાર પણ નથી લાગતી… આવું કેમ ??? કારણ સ્ત્રી હજી પુરુષને આધીન છે…

પુરુષ જ સ્ત્રીને સતી બનાવી શકે છે, પુરુષ જ સ્ત્રીને રણચંડી પણ બનાવી શકે છે. સ્ત્રી ઉગ્ર ત્યારે જ બને છે જયારે ઉપરની બધી વાતો એ પુરુષ પાત્રમાં ખલતી અનુભવે.
તમારે જેવી સ્ત્રી જોઈએ પત્ની, પ્રેમિકા, દોસ્ત ,બહેન કે પુત્રીનાં રૂપે એવા વ્યવહાર કરતા જાવ…. સામે તમને જાકારો નહીં જ મળે એ પાક્કું છે….

જેવું વાવશો એવું લણશો…..
Happy women’s day in advance

મનીષા અરવિંદ દરજી 5/3/2016

2015 નું વર્ષ..

Posted on

2015 નું વર્ષ એકંદરે સારું ગયું. સંબંધોમાં ક્યાંક ગુણાકાર થયા, ક્યાંક ભાગાકાર થયા, ક્યાંક સરવાળા પણ મંડાયા, કોઈ કોઈ બાદબાકી પણ થઇ …

પણ પ્રમાણમાં જોઈએ તો ગુણાકાર વધારે થયા..  અને સાચું કહું તો હું જીવનનાં  દાખલાઓમાં ગુણાકાર જ કરવામાં માનું છું. પણ ક્યારેક કોઈક જાણી જોઇને  ભાગાકાર માંડવા બેસે તો છેલ્લે બાદબાકી કરવાથી જ એ દાખલાના જવાબો સાચા મળતા હોય છે.

   એમ અમુક ને ફિક્ષ માં મૂકી દીધા( એ પણ વગર વ્યાજે )

અમુક કરન્ટ અકાઉન્ટમાં મૂકી દીધા. જે આવન જાવન કરે એવા. કોઈ કોઈને ફરી ડીપોઝીટ કર્યા. અને થોડાક પી.પી.એફ. અકાઉન્ટ જેવા પણ  ખરા ( ક્યારેક ક્યારેક એમાં ડીપોઝીટ કરાય પણ વ્યાજ તો ચાલુ જ રહે…)

જીવનના દરેક સંબંધનો મારો તો એક ફંડા છે બસ અકાઉન્ટ ગમે તેવા હોય ડીપોઝીટ કરતા જાવ વ્યાજની આશા છોડી દો. બેન્કવાળા ( ઈશ્વર ) પોતાનું કામ કરતા જ હોય છે જેટલું જમા હશે એ પ્રમાણે વળતળ આપશે જ. એટલો ભરોસો તો મુકવો રહ્યો..

ગુડ બાય ૨૦૧૫ … ” જેવું આ વરસે ફળ્યું  એવું આવતા વર્ષે પણ ફળે.. ”
      
                               “જેવું મને ફળ્યું એવું સૌને ફળજે.. એમ  પણ ..”.

મનીષા અરવિંદ દરજી 31/12/2015

તાલમેલ

Posted on

સાસુ અને વહું નો સંબંધ સંસારમાં અનોખો રહ્યો છે. વહુ સામે સખત પગલાં લેવા વાળા સાસુ દીકરી સામે વાત્સલ્ય નો અવતાર થઇ જાય છે…
“ડીસ્કવરી ચેનલ પર એક દ્રશ્ય જોયેલું યાદ આવે છે. સિંહણ જ્યારે શિકાર કરે છે એ એના દાંતથી જ કરતી હોય છે. અને એજ દાંતે પોતાના બચ્ચાઓને ઉપાડી લઇ જતી જોઈએ તો એ બચ્ચાને એક ખરોચ પણ નાં લાગી હોય …… ત્યારે નવાઈ લાગે કે હિંસક દાંત મમતાથી છલકાતા બની જતા હોય છે…. ”
હું ગણા વારસો પહેલા ટ્રેનમાં મુસાફરી કરતી હતી ત્યારની એક ઘટના યાદ છે મને … મારી સામેની સીટમાં માં, દીકરો, ને દીકરી મુસાફરી કરતા હતા પહેલા તો મને થયું દીકરો વહુ હશે. પણ જ્યારે મા એ પોતાની સલાહો ચાલુ કરી એટલે ખબર પડી કે આ દીકરી છે.
” તારી સાસુ બહુ ખરાબ છે હો … અને વર માવડિયો છે. તો તું વરને તાબામાં રાખજે હો, નહિ તો ઘરમાં ૧૭ જણા છો બધાના રોટલા ઘડતાં તારા હાથોમાં છાલા પડી જશે. વહેલી તકે અલગ ચૂલો માંડવા જમાઈને સમજાવતી રહેજે. નહિ તો બધાનું વૈતરું કરવામાં જલદી ડોસી થઇ જઈશ….!!!!!! “
સ્ટેશન આવ્યું એટલે વાત અટકી. વળી ગાડી ઉપડી એટલે ફરી સીખામણો ચાલુ કરી પણ આ વખતે પાત્ર બદલાયું હતું. બીજી બાજુ એનો દીકરો બેઠેલો એને એ શિખામણ દેવા લાગ્યા હતા.
“ તારી વહુને પહેલેથી જ દાબમાં રાખજે, નહિ તો ૨ ૩ મહિનામાં જુદો ચૂલો માંડવાની જીદ લઇ બેસશે. હાથખર્ચી પણ પચાસ માંગે તો પાંચ જ પક્ડાવજે. બહુ છુટ્ટો દોર મુકીશ તો માથે છાણાં થાપશે, સમજ્યો ??????? “
એક જ મોઢેથી બે અલગ અલગ વાતો સાંભળી મન વિચારે ચડી ગયું.
એવી જ રીતે સંસારમાં બીજું એક પાત્ર હોય છે ઘરનો મોભી પછી એ પતિ હોય, પિતા હોય, ભાઈ હોય,
અને ત્યાં જ એક ગુરુજીએ કહેલી વાત યાદ આવી ગઈ.
એક ઘરમાં જ્યોતિષ જોવા એક ગુરુજીને કોઈએ બોલાવેલા. બધાએ પોતાની જન્મ પત્રિકા સાથે પોતાના સવાલો લઈને એક એક કરી ગુરુજી પાસે જવાનું હતું. બધાએ પોતાની સમસ્યાઓ કહી. એના પરથી એમણે એક તારણ કાઢ્યું ને બધાને બહાર મોકલી ઘરનો મોભી જે હતો એને અંદર બોલાવ્યો ને કહ્યું કે
“આ બધાની સમસ્યાથી તમે વાકેફ છો ???”
“ટ્રેનનાં એન્જીનમાં થોડી કચાશ છે ડબ્બા બધા સહીસલામત જ છે. બસ ગાડી પાટે ચડાવવામાં એન્જીન કાચું પડે છે. બધા ડબ્બા એકબીજા સાથે જોડાયેલા છે કે નહિ?, અને અન્જીનના (તમારા) આગળ ચાલ્યા પછી બધા એકબીજાને સેટ થઈને ચાલે છે કે નહિ એ ધ્યાન એન્જીન નાં રાખે અને આગળ દોડ્યે જ જાય તો સ્ટેશને તો પોચી પણ ત્યાં પ્લેટફોર્મ નહિ હોય.”
આવું એ ગુરુજી બોલ્યા તો પેલા ભાઈને તરત સમજાઈ ગયું કે પ્રોબ્લેમ કુંડળીઓમાં નહિ તાલમેલમાં છે એટલે બધું વિખેરાય છે. એમણે બધાના મનની વાત જાણવાની કોશિશ કરી અને દુર પણ કરી….
એટલે સંસારમાં સાસુ, અને પતિઓ ( ઘરના મોભી) જો તાલમેલ સાચવી શકે તો એ સંસાર સારરૂપ બની આગળ ચાલે. નહિ તો સાર વગરનો સાબિત થાય છે. નહિ તો પ્રોબ્લેમ જ આવે…

એકલતા

Posted on Updated on

સાનિધ્યમાં રહેવાથી પ્રિયજન મળે
એકલતામાં રહેવાથી યાદો જ મળે

જેણે પોતાના જીવનમાં એકલતાની જ પસંદગી કરી હોય અને પછી જયારે એને પોતાની એકલતા જ કોરી ખાય એટલે પોતાના નિર્ણય પર, વિચાર પર, વર્તન પર પસ્તાવો થાય પણ એ પસ્તાવાને પ્રાયશ્ચિતમાં ફેરવી તરત અમલમાં મૂકી દેવાય તો એકલતાદુર કરી શકાય. ને પ્રિયજનની પ્રાપ્તિ થાય. પણ જેને એકલતામાં પણ મજા જ આવતી હોય એને એજ પ્રાપ્ત થતું હોય છે. પણ ક્યારેક એવી વ્યક્તિઓ પણ જોવા મળતી  હોય છે, કે જે એકલતામાં રીબાતા હોય છતાં હજી મુખોટા વાળા ચહેરા લઈને ફરે. ને પોતાના અહમમાં હજી પોતાનો સ્વબચાવ જ કર્યા કરે.

આવા લોકોના અંદર લાગણી નામના સોફ્ટવેર ની કમી હોય છે.

આપણે જે  વિચારીએ છીએ એજ આપણા જીવનમાં મળતું હોય છે. આ યુનિવર્સલ નો નિયમ છે
ધારો કે તમે હમેશા એકલતા માં રહેવાનું પસંદ કર્યું હોય, એજ બોલ્યા કર્યું હોય તો એ એક દિવસ હકીકત બની સામે આવીને ઉભું રહે છે.
ત્યારે પ્રિયજન ની કમી થવાથી એને ઝંખે એના સાનિધ્યમાં રહેવા દિલ મથે. પણ એ નક્કામું સાબિત થતું હોય છે…

સાનિધ્ય પામવા પોતાના વાણી વર્તન ને કાબુમાં રાખી સામ્યતા જાળવવી ખુબ જરૂરી છે.

અને એકલતામાં જ પોતાનું અસ્થીત્વ દેખાતું હોય તો એકલતામાં જીવવું કઈ જ  ખોટું નથી દરેકને પોતાના સ્વતંત્ર વિચારો હોય છે.

કોઈને એકલા રહેવું ગમતું હોય કોઈને કોઈની સાથે રહેવામાં પોતાનું અસ્થીત્વ દેખાતું હોય.

મતભેદ દરેક જગ્યાએ શક્ય હોય છે. મનભેદ નાં હોય તો મતભેદ મિટાવી શકાય છે.

મનીષા અરવિંદ દરજી  4/૧૧/૨૦૧૫

લગ્ન

Posted on Updated on

12178242_1685682221653735_576791556_n (1)

લગ્ન

જ્યાં સ્નેહ હોય ત્યાં અહંકાર નાં હોય.

જ્યાં સમર્પણ હોય ત્યાં કદી અધિકાર ના હોય.
લગ્ન એટલે સ્નેહ અને સમર્પણનું મેઘધનુષ્ય ……

લગ્ન અનિવાર્ય નથી , પણ આવકાર્ય જરૂર છે. લગ્ન માણસને સ્થિર બનાવે છે. એની બેફામ અને નિરંકુશ વૃત્તિઓને નિયંત્રિત કરે છે. એટલે એ ક્યારેક બંધનરૂપ પણ લાગે છે.

હકીકતમાં લગ્ન પતંગની દોર જેવું છે. એ દોર પતંગને કાંઈ બાંધી નથી રાખતો. ઉલટાનું એને ગગનવિહાર કરવાની તક આપે છે. એ દોર તૂટી ગયા પછી પતંગ દિશાહીન બની જાય છે. ગમે ત્યાં જઈને પડે છે. દોર વગર પતંગનું ઉત્થાન શક્ય નથી અને દોર વગરના પતંગનું પતન નીશ્ચિત છે. ..

પોઝેટીવ ૨

Posted on

દલીલોથી જીતવા માંગતા હોવ તો, દલીલોને  ટાળતાં શીખવું જોઈએ.

– દસમાંથી નવ દલીલો તો  એવી રીતે પૂરી થાય છે કે અંતે બંને પક્ષ પોતપોતાની રીતે સાચા છે તેમ દ્રઢતાપૂર્વક માનતા હોય છે.

– દલીલ કરવામાં અગર તમે હાર્યા તો તમે હારેલા જ છો. જો જીત્યા તો પણ તમે હારેલા જેવા જ છો.

કેવી  રીતે એ નીચે સમજાવવાની કોશિશ કરું છું.

* ધારો કે તમે તમારી ઠોસ દલીલ કરીને તમારી વાત સાચી મનાવડાવી દીધી, સામેવાળી વ્યક્તિ પર એવી થોપી દીધી કે એની બોલતી બંધ થઇ          ગઈ. તો તમને એ ખુબ  સારું લાગશે. તમે સાચા હોવાનો ગર્વ થશે. તમે જીત મેળવી લીધાનું ગર્વ થશે.

પણ એ સામેની વ્યક્તિનું શું ?????

જેને તમે તોછડું ને ગસાતું બોલી એને  લઘુતાગ્રંથીનો અનુભવ કરાવ્યો છે, એના સ્વાભિમાનને ઠેસ પહોચાડી છે, એનો આત્મવિશ્વાસ તોડ્યો              હોય,એને સોચવા મજબુર કર્યો હોય કે સાચ્ચેમાં એની માનસિકતા ખરાબ હશે આ વિચાર એના  મગજમાં એક સવાલ રૂપી ઠસાવ્યો હોય..

જબરજસ્તીથી કોઈ વાતને સ્વીકારનાર વ્યક્તિ પોતાનો આત્મવિશ્વાસ અજાણતા જ  ખોઈ બેસે છે.!!!!!!!

– જો તમે હમેંશા દલીલો કરશો અને સામેની વ્યક્તિના મને દુભાવ્યા કરશો, તેની વાતને નકારી કાઢશો તો તમને વિજય મળશે પણ ખરો પણ,

તે વિજય પણ નકામો જ હશે. કારણકે આ રીતે આપણે સામેવાળી વ્યક્તિની શુભેચ્છા ક્યારેય મેળવી શકતા નથી. સામેની વ્યક્તિની વાત કદાચ ખોટી હોઈ શકે પણ એને સમજાવીને કહી શકાય તોછડાઈ કે દલીલોથી નહિ …

મનીષાની પોઝેટીવ ડાયરીમાંથી .